Connect with us

પ્લાય-પેનલ-લેમ વિવિધ સેક્ટર પર કોરોના અસર

Special Feature

પ્લાય-પેનલ-લેમ વિવિધ સેક્ટર પર કોરોના અસર

આમ તો અનેક મહારોગો અને કુદરતી આપત્તિઓએ વિશ્વ જગતમાં હાહાકાર મચાવેલો છે. લાખો માનવીઓનો ભોગ લીધેલ છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી કોરોના વાઈરસે માનવજાતિને જે રીતે પોતાના ભરડામાં લીધી છે તેણે 21મી સદીના તબીબી વિજ્ઞાનને, માનવીના અહંકારને, તેની જીવનશૈલીને, તેના જન્મ, જીવન અને મૃત્યુને પડકાર ફેંક્યો છે. સમયને પણ ચેલેન્જ આપ્યાના અહંકાર સાથે વિજ્ઞાનને બગલમાં નાંખી દોડ્યે જતા માનવીને એક સૂક્ષ્મ વાઈરસે જાણે કે રોકી લીધો છે. હવે જોઈએ કે આ વાઈરસ તેને કેટલો સમય રોકી રાખે છે.

            લગભગ આઠ અબજની નજીક પહોંચેલ વિશ્વની માનવ વસ્તીની જીભે સતત “કોરોના” શબ્દ રમતે કરનાર આ સૂક્ષ્મ વાઈરસે અડધા વિશ્વને લોકડાઉનના બંધનમાં મૂંકી દીધું છે. લગભગ બે લાખ લોકોનો ભોગ લીધો છે અને વિશ્વના અર્થતંત્રને બાનમાં લીધું છે. આ અર્થતંત્રને બેઠું થતા વર્ષો લાગશે. માનવીના અથાક્ પરિશ્રમ, જોશ અને આત્મ વિશ્વાસની પરીક્ષા લેવાશે.

            કોરોના વાઈરસ ભારતીય અર્થતંત્રને જે નુકશાન પહોંચાડી રહ્યું છે તેમાંથી બહાર નીકળતા 3-4 વર્ષ નીકળી જશે. હાલમાં લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગ ઠપ્ છે તેનાથી દેશના વિવિધ ઉદ્યોગ સેક્ટરને ભારે નુકશાન ગયું છે. ટ્રાન્સપોર્ટેશન, ટૂરીઝમ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટીકલ, ટેક્ષ્ટાઈલ, રીઅલ એસ્ટેટ જેવા અનેક સેક્ટરો મહામંદીના ભરડામાં આવી ગયા છે. પ્લાય, પેનલ, લેમિનેટ્સ કે વુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અનેક વેપાર ઉદ્યોગ ભારે આર્થિક મુશ્કેલીમાં મૂંકાઈ ગયા છે. લગભગ 1 માસથી આ ઉદ્યોગ-વેપાર બંધ છે. લાખો લોકો બેકાર છે. દેશમાં લગભગ 7 થી 8 કરોડ લોકો બેકાર છે. લાખો લોકોને બે ટંકનું ભોજન મેળવવા પણ દોહ્યલા થઈ પડ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે દેશના વિવિધ ભાગોમાં વુડ ઈન્ડસ્ટ્રીના વિવિધ સેક્ટરો કેવી આર્થિક પરિસ્થિતિમાં મુંકાઈ ગયા છે તેના ચિત્રો અમારી પાસે આવી રહ્યા છે તેનો થોડોક ચિતાર અત્રે રજૂ કરીએ છીએ. અન્ય વિવિધ વિસ્તારોમાંથી આ પ્રકારની હકીકતો, ન્યુઝ એન્ડ વ્યુઝ અમારી પાસે આવશે તો તેને અમે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું.

પ્લાય ઈન્ડસ્ટ્રીઃ

            એશિયાના સૌથી મોટા પ્લાયવુડ હબ ગણાતા યમુનાનગરમાં લગભગ 1000 જેટલા પ્લાય-વિનિયર અને લકડી મંડીના એકમો છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીંના લગભગ એક લાખ જેટલા શ્રમિકોમાંથી મોટાભાગના પોતાના વતનમાં (બિહાર, યુ.પી., પં.બંગાળ વિ.) જતા રહ્યા છે અથવા લાચારીવશ જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયા છે.

            એક મહિના બાદ લોકડાઉનની શરતો વચ્ચે પ્લાયવુડ વિનિયર ઉત્પાદક યુનિટો શરૂ કરવા મંજૂરી આપવા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ આ શરતોનું આર્થિક અથવા વ્યવહારિક રીતે પાલન કરવું ઘણું અઘરું હોવાથી ઉત્પાદક માલિકો યુનિટો ચાલુ કરવાની અસમંજસમાં છે. બીજું કે ચાલ્યા ગયેલા કામદારોને વહેલી તકે પાછા આવી શકે તેમ પણ નથી. તેથી પ્લાયવુડ ઉદ્યોગ નજીકના દિવસોમાં ચાલુ થાય તેમ નથી. આ સિવાય પણ આર્થિક સંકટમાં મુકાયેલ પ્લાયવુડ ઉદ્યોગ માલિકોએ સિવાય પણ આર્થિક સંકટમાં મુકાયેલ પ્લાયવુડ નાણાંકીય વ્યવસ્થા કાચા માલ, પગાર, બેંક હપ્તા, વિજળી બીલ, જીએસટી, ભાડા તથા અન્ય નાણાંકીય વ્યવસ્થા કરવાની હોવાથી તેઓ થોડો સમય રાહ જોવા તૈયાર છે. તેઓની મુખ્ય માંગણી એ પણ છે કે આ કપરા આર્થિક સંજોગોમાંથી બહાર નીકળવા સરકાર આર્થિક સહાય કરે અને બેન્ક હપ્તા, વિજળી બીલ, જીએસટી, લાયસન્સ ફી, સ્થાનિક વેરા વિગેરેમાં રાહત આપે છ મહિના માટે પ્લાય-પેનલ પરનો જીએસટી દર 50 ટકા કરવાનો આગ્રહ પણ તેઓ કરી રહ્યા છે. જો કે સરકાર કેટલીક રાહતો આપવા વિચારણા કરી રહેલ છે. જો 3 જી મે પછી પણ પ્લાયવુડ-વિનિયર ઉત્પાદક માલિકો પોતાના યુનિટો શરૂ કરવાની તૈયારી કરે તો પણ અસરકારક ક્ષમતાથી ચાલુ થતા આ યુનિટોને લગભગ બે મહિના લાગી જ્યાં સુધીમાં ચોમાસું બેસી જશે. આથી પ્લાય-પેનલ ઉદ્યોગ માટે વેપાર કરવાનો સારો સમયગાળો વિતી જશે જેનાથી મોટો આર્થિક ફટકો પડશે, આમ પણ આ ઉદ્યોગ બે – અઢી વર્ષથી મંદી અને તીવ્ર હરિફાઈના વાતાવરણમાં આર્થિક મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો જેમાં કોરોના વાઈરસની મહામારીએ મહામુશ્કેલી ઉભી કરી છે. હજારો કામદારો બેકાર બનવાની સંભાવના છે. કેટલાક માંદા એકમો બંધ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરકાર આ ઉદ્યોગને બચાવવા કેવા આર્થિક પેકેજ આપે છે તેના પર સૌની નજર છે.

ગાંધીધામઃ

            ભારતના સૌથી મોટા ટીમ્બર હબ ગણાતા ગુજરાતના ગાંધીધામમાં 600થી વધુ સો યુનિટો, 100ની વધુ પ્લાય-વિનિયર ઉત્પાદક યુનિટો અને બીજા વુડબેઈઝ યુનિટો મળી કુલ આશરે 1000 જેટલા યુનિટો લોકડાઉનને કારણે એક મહિનાથી બંધ છે. ગાંધીધામ નજીક આવેલ કંડલા બંદરે કે જ્યાં ભારતમાં સૌથી વધુ ટીમ્બર લોગ આયાત થાય છે તેની પ્રવૃત્તિઓ બંધ થતા ટ્રાન્સપોર્ટ, ટીમ્બર ટ્રેડીંગ અને વ્યવસાયિક ધંધાકીય એકમોને મોટો ફટકો પડ્યો છે. 50 હજારથી વધુ કામદારો બેકાર બન્યા છે. લગભગ 40 ટકા જેટલા કામદારો વતનમાં ચાલ્યા ગયા છે. લોકડાઉન ઉઠાવી લીધા બાદ આ યુનિટો શરૂ કરવા માટોભાગના ઉદ્યોગ ચાલકો સક્રિય બનશે. જો કે અહીં પણ વ્યવસ્થિત કારોબાર શરૂ થતા એકથી દોઢ માસનો સમય લાગી શકે છે. અઢી-ત્રણ વર્ષથી અહીં પણ ટીમ્બર અને પ્લાય ઉત્પાદક યુનિટો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેથી 25 ટકા જેટલા યુનિટો નજીકના સમયમાં બંધ પડવાની ભીતિ સેવાઈ રહી છે. જો અહીં મોટું ફર્નિચર હબ બનાવવામાં સરકાર પૂરતો ફાળો આપે તો આ ઉદ્યોગોને જીવતદાન મળી શકે તેમ છે.

મોરબી, રાજકોટ, અમદાવાદઃ

            ગુજરાતના અન્ય સેક્ટરો કે જ્યાં વુડ ઈન્ડસ્ટ્રી મોટા પ્રમાણમાં વિકસી છે તેવા મોરબી, રાજકોટ અને અમદાવાદમાં લોકડાઉનને કારણે બંધ રહેલ 250 જેટલા પ્લાયવુડ, લેમિનેટ અને પાર્ટીકલબોર્ડના યુનિટો લગભગ બંધ હાલતમાં છે. જો કે આ યુનિટોમાં 60 ટકાથી વધુ કામદારો સ્થાનિક હોવાથી યુનિટો ચાલુ કરવામાં કોઈ મોટો પ્રશ્ન કામદારોનો નડશે નહીં. રાજકોટ નજીક પાર્ટીકલબોર્ડની ફેક્ટરી ધરાવતા સારંગભાઈનું જણાવવું છે કે 3 જી મે સુધી રાહ જોયા પછી એક શીફ્ટમાં ફેક્ટરી શરૂ કરી શકીશું. જો કે માર્ચ મહિનામાં રો મટીરીયલનો ઘણો સ્ટોક ઓછો થઈ જવાથી નવા કામકાજ માટે કાચો માલ ખરીદવામાં વિલંબ થઈ શકે છે અથવા મુશ્કેલીપણ પડી શકે છે. જો કે મોટાભાગની ફેક્ટરીઓ બે ત્રણ એક બે શીફ્ટમાં ઉત્પાદન કરશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ફેક્ટરીઓ રાબેતા મુજબ વ્યવસ્થિત કામ કરતી થવાનો અંદાજ છે. આ જ વિસ્તારના એક અગ્રણી પાર્ટીકલ બોર્ડ ઉત્પાદ તૃષારભાઈનું કહેવું છે કે દિવાળીની આસપાસ માર્કેટ સુધરશે. કોરોનાની અસરથી મુક્ત થઈ માંગ અને પૂર્તિ (ડીમાન્ડ એન્ડ સપ્લાય)ની સ્થિતિ ઘણી સુધરશે અને બજારમાં આશા અને ચેતનાનો સંચાર થતો જોવી મળશે. પાર્ટીકલબોર્ડ માટે બજારમાં પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. જો કે આ ઈન્ડસ્ટ્રીએ વર્તમાન સમય અને સંજોગોનો પડકાર ઝીલી લઈ નવા આયોજન અને માર્કેટીંગ પ્રણાલી અપનાવી આગળ વધવું પડશે.

            ગુજરાતમાં પ્લાય-પેનલ અને મશીનરીની વેચાણ વ્યવસ્થા માટે અમદાવાદ મુખ્ય કેન્દ્ર છે. અહીં કેટલાક નાના ઉદ્યોગોએ 24 એપ્રિલથી લોકડાઉનમાં જ્યાં છૂટ મળી છે ત્યાં કામકાજ ઓછા કારીગરોથી શરૂ કર્યું છે પરંતુ હજુ આર્થિક વ્યવહારો શરૂ થયા નથી. જૂના ઓર્ડર પૂરા કરવા અથવા માલ સ્ટોક કરવાના આયોજન સાથે ધીમી ગતિ એ કામકાજ શરૂ થવા તરફ જઈ રહ્યું છે. સૌને આશા છે કે ત્રીજી મે થી મોટા ભાગના વેપાર-ઉદ્યોગો શરૂ થઈ શકશે.

            કોરોના વાઈરસે માત્ર ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. આ નુકશાનના આઘાતમાંથી બહાર આવતા વર્ષો પણ લાગી શકે છે. જો કે ઘણે ખરે નિરાશાના વાતાવરણમાં આશાનું કિરણ પણ ક્યાંક દેખાય છે. મુંબઈના એક જાણીતા પ્લાયવુડ ડીલરે જાણીતા ઉદ્યોગપતિ ટાટાનું વિધાન ટાંકી જણાવ્યું.

            “કોરોના વાઈરસથી ઉભી થઈ રહેલ મહામંદીથી આપણે ગભરાવાનું નથી. સમય અને સંજોગે આપણને આપેલ શીખ, પરિશ્રમ અને આત્મવિશ્વાસથી આપણે તેનો મજબૂતાઈથી સામનો કરવો જોઈએ ભૂતકાળમાં આવા અનેક કપરા સમય અને સંજોગ આવ્યા અને તેના શિકાર બનેલ અનેક દેશો મહાન રાષ્ટ્ર બની ઉભરી આવ્યા છે. વિશ્વયુદ્ધમાં ખુવાર થઈ ગયેલ જાપાન, જર્મની જેવા દેશો સો વર્ષે પણ ઉભા થઈ શકશે કે કેમ તેવી ચિંતા સેવાતી હતી તેની જગ્યાએ દશ-પંદર વર્ષમાં જ મહાન અને આર્થિક રીતે શક્તિશાળી રાષ્ટ્ર બની ઉભરી આવ્યા. ભારત પણ આ સંકટમાંથી જલ્દીથી બહાર આવી શકશે.”              કોરોના વાઈરસના અજ્ઞાત અને છેતરામણા શત્રુએ માત્ર માનવશરીર પર જ નહીં પરંતુ તેના રોજીંદા જીવનને, તેની આર્થિક વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી દયાનિય સ્થિતિમાં મૂંકી દીધી છે. મુંબઈ, ન્યુયોર્ક, લંડન, વુહાન અને સ્પેન, ઈટલી જેવા દેશોના મહત્વના આર્થિક ધોરીનશ જેવા શહેરોની વસ્તી અને અર્થવ્યવસ્થાને ભયંકર નુકશાન પહોંચાડી પેરાલીસીસ જેવી અવસ્થામાં મૂંકી દીધી છે. વિશ્વના કરોડો લોકોને બેકારીનો સામનો કરવો પડે તેમ છે. વિશ્વની 30 ટકા વસ્તીને ગરીબી રેખાથી નીચે લાવી શકે તેમ છે, લાખો લોકોને ભૂખના મૂખમાં ધકેલી દઈ શકે છે. અનેક દેશોમાં આર્થિક અને રાજકીય ઉથલપાથલો સર્જી શકે તેમ છે, કરોડો લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિને બદલી શકે તેમ છે. વિશ્વી નવી યુવાપેઢી તેના અત્યાર સુધીના જીવનનો સૌથી કડવો અને દુઃખદ અનુભવ કરી રહી છે અને આ અતિ દુઃખદાતા અતિ સૂક્ષ્મ એવા કોરોના વાઈરસને એ કેમેય કરી કદીય નહીં ભૂલી શકે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોના શત્રુને હરાવવા, નાશ કરવા અસરકારક વેક્સીન વહેલી તકે જન્મ લે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Special Feature

To Top