Connect with us

સરકારના કયા બે નિર્ણયના કારણે લાકડા ઉદ્યોગના કામદારોની હાલત કફોડી બની?

Ply Market

સરકારના કયા બે નિર્ણયના કારણે લાકડા ઉદ્યોગના કામદારોની હાલત કફોડી બની?

ભારત દેશમાં હરિયાણા અને પંજાબ પ્લાયવુડના કારોબાર માટે જાણીતા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષથી યમુનાનગર (હરિયાણા) અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલ પ્લાયવુડના કારખાનાઓમાં મંદીનું વાતાવરણ હોવાના સમાચાર છે. આમ થવા પાછળ મુખ્યત્વે બે કારણ જવાબદાર માનવામાં આવે છે. એક, સરકારે લીધેલો નોટબંધીનો નિર્ણય અને બે, સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ વસ્તુ અને સેવા કર (GST)

અહીં આવેલ કારખાનાઓમાં અનેક કામદારો નાનું મોટું કામ કરતા જોવા મળે છે. અશોકકુમાર નામના એક કામદાર-મજૂરની વાત કરીએ તો કહેવું પડે કે તેઓ અહીં લાકડા લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કહેવું પડે કે તેમણે માત્ર દસ ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલ છે. એ બાદ એમણે શાળાકીય જીવનને અલવિદા કહીં દીધું હતું. નસીબ જોગે એમને કોઈ એક ઠેકાણે સલામત નોકરી મળી હતી. પ્રતિ માસ તેમને વેતનરૂપે 15,000 રૂપિયા મળતા હતા. એમનો ઘરસંસાર આટલી રકમથી યોગ્ય રીતે ચાલતો હતો. તેમની પત્ની પણ નાનું મોટું છૂટક કામ કરીને ઘરમાં ટેકારૂપ બનતી હતી. બંને જણ દર મહિને અમુક રકમ પણ બચાવતા હતા.

કુટુંબના મોભી એવા અશોકકુમારના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત હાલત નોટબંધીના નિર્ણય પૂર્વેની છે. એમ કહી શકાય કે નવેમ્બર 2016 પૂર્વે, અશોકકુમાર અને એમના પરિવાર માટે સુખના દિવસો પસાર થતા હતા. સહુને અનુભવ છે કે જેવી નોટબંધી લાદવામાં આવી કે તેની સીધી અસર આમ જનતાને થઈ !  અશોકકુમારના જણાવ્યા અનુસાર એમને એમનો નવેમ્બર માસનો પગાર છેક જાન્યુઆરીમાં મળ્યો હતો. સાચુ પૂછો તે એ સમયથી જ એમના પડતીના દિવસો શરૂ થઈ જવા પામ્યા હતા.

એ પછી વર્ષ 2017માં સરકારે આખા દેશમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગુ કર્યો. જ્યાં સુધી લાકડા ઉદ્યોગની વાત છે, અશોકકુમાર જે કારખાના સાથે સંકળાયેલા હતા તેના માલિકે અંદાજે 110 થી 200 જેટલી નોકરીની જગ્યા રદ કરી. મતલબ કે ઉપરોક્ત સંખ્યામાં કામદારોની છટણી કરવામાં આવી. નોકરી ગુમાવનાર કામદારોમાં અશોકકુમાર પણ એક હતા. રોજબરોજના વ્યવહારમાં રોકડનો પણ અભાવ વરતાતો હતો. પ્લાયવુડના ઉત્પાદન અને વેચાણ પર 28% જીએસટીને લઈને સમગ્ર લાકડા ઉદ્યોગને માઠી અસર પહોંચી. એટલું જ નહીં, હજારો કામદારોની હાલત કફોડી બની જવા પામી. પ્રાપ્ત જાણકારી અનુસાર વર્ષ 2016માં પ્લાયવુડ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 13000 કરોડથી ઘટીને 12000 કરોડ થઈ જવા પામ્યું હતું. પ્લાયવુડ બનાવતા લગભગ 350 જેટલા યુનિટ બંધ થઈ ગયા, અશોકકુમારના કુટુંબમાં માતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. હાલમાં અશોકકુમારને કામ મેળવવા માટે કામ પૂરું પાડતા કોન્ટ્રાક્ટરની રાહ જોવી પડે છે. તેમની માસિક આવકમાં ધરખમ ઘટાડો થઈ જવા પામ્યો છે. હાલમાં તેઓ પ્રતિ માસ  લગભગ 4 થી 5 હજાર રૂપિયા કમાય છે.

કુટુંબને આર્થિકરૂપે મદદરૂપ થવા માટે તેમની પત્ની ઘરગથ્થું કામ કરીને મહિને 6000 રૂપિયા રળી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીના નિર્ણય બાદ અચાનક ઉભી થયેલી રોકડની કટોકટીને લઈને કામદારોને કરવામાં આવતા વેતનની ચૂકવણીમાં પણ વિલંબ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્લાયવુડ ઉદ્યોગમાં દરેકે દરરોજ લાકડાની ખરીદી કરવાની રહે છે. નોટબંધીની માઠી અસર એટલે સુધી પહોંચી કે કાચો માલ પૂરો પાડનાર ઉત્પાદકોને પણ પ્લાયવુડ ઉત્પાદકો તરફથી નાણાંની ચૂકવણી કરવામાં નહોતી આવતી. જ્યારે અશોકકુમાર ફુવારચોક પાસે પહેલી વખત કામની શોધમાં આવ્યા ત્યારે તેમને કામ તો મળ્યું પણ એકાએક કે તરત જ નહીં બલ્કે એક અઠવાડિયા બાદ હા, એમને કામ માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડી હતી. એ પછી એમને દિવસના 300 રૂપિયા લેખે લાકડા ઉતારવાનું કામ સાંપડ્યું હતું. તેમનું નિવાસસ્થાન એટલે શહેરના છેવાડે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર તેઓ બસ અથવા સાયકલ દ્વારા 20 કિલોમીટરનું અંતર કાપે છે. ખેતરમાં મજૂરી કરીને કુટુંબનું ભરપોષણ કરતા અશોકકુમારના પિતાનું જ્યારે નિધન થયું ત્યારે અશોકકુમારને શાળા છોડી દેવા દબાણ કરવામાં આવ્યું. સલામત સરકારી નોકરી મેળવવાનું કાર્ય એમને લગભગ અશક્ય લાગ્યું. દસમા ધોરણ બાદ ભણવાનું છોડી દેનાર માટે અન્ય વિકલ્પો મર્યાદિત હતા. જ્યારે દરરોજ કામની તલાશ માટે એમને ઘરની બહાર નીકળવાનું થતું ત્યારે તેઓ વિચારતા કે, ‘આજે કામ મળશે કે નહીં ! કે પછી ખાલી હાથે ઘરે પરત ફરવું પડશે.’

ખેર, હરિયાણાના યમુનાનગરમાં ફુવારાચોક નામનો એક વિસ્તાર આવેલ છે. અહીં અનેક કામદારો-મજૂરો રોજીરોટીની તલાશમાં એકત્ર થાય છે. એક અંદાજ અનુસાર અહીં દરરોજ 1500-2000 જેટલા કામદારો-મજૂરો કામની તલાશ માટે આવે છે. મોટાભાગના કામદારો હરિયાણા અને એની આસપાસના વિસ્તારોમાંથી આવે છે. પડોશી રાજ્યો જેમકે ઉત્તરપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં કામદારો આ સ્થળ ઉપર કામ મળવાની આશાએ આવે છે. નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યા એ પછીથી ફુવારા ચોક ખાતે એકઠા થતા કામદારોની સંખ્યા બેગણી-ત્રણ ગણી થઈ જવા પામી છે. વહેલી સવારે શહેરના અન્ય વિસ્તારોમાં માણસોની ચહલપહલ શરૂ થાય એ પૂર્વે ફુવારા ચોક ખાતે માણસોની અવરજવર ચાલુ થઈ જાય છે. સવારે છ કલાકે તો અહીં કામદારોની આવનજાવન ચાલુ થઈ ગયેલી જોવા મળે છે. કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કામની વહેંચણીમાં ‘વહેલા તે પહેલા’નું ધોરણ અપનાવવામાં આવે છે.

ફુવારા ચોકની વાત કરીએ તો કહેવું પડે કે તે શહેરની મધ્યમાં આવેલ છે. અહીંથી કેટલાક રસ્તા યમુનાનગર બસ ડેપોને જોડાય છે. અહીંથી જગધરી રેલ્વે સ્ટેશન પણ જઈ શકાય છે. ફુવારા ચોક ખાતે નાની નાની ટુકડીમાં કામદારો એકઠા થયેલા જોવા મળે છે. તેમની નજર રસ્તા પરથી પસાર થતી પ્રત્યેક ટ્રક અને રિક્ષા પર હોય છે. છેવટે એક કોન્ટ્રાક્ટર આવે છે અને ચોતરફ કામ મળવાની આશાએ રાહ જોઈ રહેલા કામદારોને એમની વય અને આવડતને આધારે અલગ પાડે છે.

જેમને કામ સોંપવામાં આવે છે એમને પ્રત્યેક દિવસના 300 રૂપિયા લેખે વેતન ચૂકવવામાં આવે છે. કામદારોને મળતા અનેકવિધ કામમાં કન્સ્ટ્રક્શન, પેઈન્ટીંગ, લાકડાનું લોડિંગ/અનલોડિંગ વગેરેનો સમાવેશ થાય છે. જાણી લઈએ કે નોટબંધીનો નિર્ણય આપણા દેશમાં લેવાયો એ પૂર્વે ફુવારા ચોક ખાતે ઊભા રહેતા પ્રત્યેક મજૂરને પ્રત્યેક દિવસના 500 થી 600 રૂપિયા વેતન પેટે ચૂકવવામાં આવતા હતા.

હરિયાણાના રાજકારણની ચર્ચા કરીએ તો કહેવું પડે કે આગામી ઓક્ટોબર 2019માં અહીં રાજ્ય સરકારની ચૂંટણી યોજાવાની છે. એ પછી અહીં નવી રાજ્ય સરકાર ચૂંટાઈ આવશે વર્ષ 2014ના સ્ટેટ એસેમ્બલી ઈલેક્શનની વાત કરીએ તો; એ વખતે અહીં મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીએ 80 એસેમ્બલી સીટમાંથી 47 સીટ જીતી લીધી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે ભુપીન્દર સિંહ હુડ્ડાના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી અને ઓમપ્રકાશ ચૌટાલાના નેતૃત્વ હેઠળની ઈન્ડિયન નેશનલ લોકદળ હતું.

હરિયાણા બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ  (BOCW) બોર્ડ હેઠળ કામદારો અનેકવિધ લાભો મેળવવા માટે હકદાર છે. 60થી ઉપરની વય ધરાવતા કામદારો પેન્શનનો લાભ મેળવવા હકદાર છે. તે ઉપરાંત ઘરના નિર્માણ માટે લોન, સગર્ભાવસ્થાના લાભો, બાળકોના શિક્ષણ માટે નાણાંકીય સહાય વગેરે મેળવવા માટે પણ તેઓ હકદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018ના રોજ સદર યોજના હેઠળ 7,76,000 કામદારોએ નોંધણી કરાવેલ છે જોકે તેમ છતાં લાભાર્થીની સંખ્યા કેટલી છે તે બાબત સ્પષ્ટ નથી !

એપ્રિલ 27, 2019ના રોજ MGNREGSની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હેટા એવું જણાવે છે કે નોંધાયેલા 1.6 મિલીયન કામદારોમાંથી માત્ર 6,38,000 કામદારો જ હાલમાં સક્રિય છે.

યમુનાનગરની વાત કરીએ તો કહેવું પડે કે તે યમુના નદીના કિનારે આવેલ છે. 1980ના દાયકાની શરૂઆતમાં અહીં પ્લાયવુડ મેન્યુફેક્ચરીંગના બે યુનિટ એક્વાયર્ડ કરવામાં આવ્યા હતા. નેવુંના દાયકામાં એગ્રોફોરેસ્ટ્રીને પ્રમોટ કરવામાં આવી ત્યારે યમુનાનગર આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યું હતું. અને વર્ષ 2014 સુધીમાં તો તે શિખર સુધી પહોંચી ગયું હતું. સમગ્ર દેશના પ્લાયવુડ બજારના સંદર્ભમાં જોઈએ તો જાણવા મળે છે કે આ વિસ્તારનો ફાળો નોંધપાત્ર છે. આ પ્રદેશ કે વિસ્તાર એકલો જ 60% કરતા વધારે ફાળો નોંધાવે છે. જોકે જીએસટીનો અમલ અને નોટબંધીના નિર્ણયને લઈને સમગ્ર દેશના લાકડા ઉદ્યોગનો માહોલ બદલાયેલો જોવા મળ્યો છે.

હરિયાણામાં પ્લાયવુડ બનાવતી અનેક કંપનીઓ છે. કોઈ એક કંપનીના માલિક પાસે હાલમાં પ્લાયવુડ મેન્યુફેક્ચરીંગના કુલ છ યુનિટ છે. માર્ચ 2019 સુધીમાં યમુનાનગરમાં આવેલ 40% પ્લાયવુડ કંપનીઓ બંધ થઈ જવાની તેમણે આગાહી કરી હતી. તેમણે તેમના યુનિટ્સમાં 129 મજૂરો કામ ઉપર રાખ્યા હતા. જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી એ પછી એમને કેટલાય કામદારોને છૂટા કરવાની નોબત આવી હતી. તેમણે અંદાજે અડધા કરતા પણ વધારે કામદારો કે મજૂરોને કામ પરથી રજા આપી દીધી હતી. ચાલુ વર્ષે તેમને તેમને છ યુનિટોમાંના એક યુનિટને બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમના  કારોબારમાં ખોટનું પ્રમાણ વધી જવા પામ્યું હોઈ તેઓ વધુ એક યુનિટ પણ બંધ કરે એવી શક્યતા જણાય છે.

પ્લાયવુડની વિવિધ ફેક્ટરીમાં ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરતા એક વ્યવસાયીના જણાવ્યા અનુસાર નોટબંધી અને દેશભરમાં જીએસટીના અમલીકરણને લઈને સમગ્ર પ્લાયવુડ ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયો છે.

બાંધકામ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલા મંદીના માહોલને લઈને પણ પ્લાયવુડ ઉદ્યોગ ડામાડોળ થવા લાગ્યો છે. રાજ્ય વન વિભાગના અંકુશ હેઠળ પ્રારંભે પ્લાયવુડ કંપનીઓએ જે પરવાના આપવામાં આવતા હતા તે લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં લઈને આપવામાં આવતા હતા. વર્ષ 2011 થી લઈને 2017 સુધીમાં નવી પ્લાયવુડ કંપનીઓ શરૂ કરવા માટે કોઈને પણ પરવાના આપવામાં આવ્યો નહોતા. વર્ષ 2018માં ભારતીય જનતા પાર્ટીએ લાકડાની ઉપલબ્ધતા અંગે વિચાર્યા વિના પરવાના આપવાનું ચાલુ કરી દીધું હતું. વર્ષ 2017માં 28% જીએસટીને લઈને કારોબારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ચાલ્યા ગયા હતા. મતલબ કે 1100 કરતા પણ વધારે સંખ્યામાં પ્લાયવુડ એકમોએ હડતાલ પર ઉતરવાનું મુનાસિબ માન્યું હતું. તેમણે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે જીએસટી 28% થી ઘટાડીને 18% કરવામાં આવે.

યમુનાનગરનાં પ્લાયવુડ ઉદ્યોગ હજી પણ કફોડી હાલતમાંથી છૂટકારો મેળવી શક્યો નથી.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More in Ply Market

To Top