દેશમાં આવેલ કુલ લેમિનેટ ફેક્ટરીઓમાંથી ૪૦% ફેક્ટરીઓ ગુજરાતમાં આવેલી છે અને તેમાં પણ અમદાવાદ, મોરબી તેના મુખ્ય સેન્ટર છે. દેશમાં ૨૦૦ જેટલી લેમિનેટ ફેક્ટરીઓમાંથી ગુજરાતમાં આવેલી ૮૦થી વધુ ફેક્ટરીઓ કાચા માલના ભાવ વધારાના વિરોધમાં એક અઠવાડિયા સુધી બંધ રહ્યા બાદ સોમવાર તા. ૧૮ જાન્યુઆરીથી ફરી શરુ થઇ ગઈ છે. રો મટીરીયલનો શોર્ટ સપ્લાય અને ભાવવધારાના મુખ્ય પ્રશ્નોથી પરેશાન લેમિનેટ શીટ્સ ઉત્પાદકોએ સંગઠીતપણે બંધના આ નિર્ણયનું પાલન કર્યું હતું.
ચાલુ વર્ષે દિવાળી બાદ લેમિનેટ ફેક્ટરી જરૂરી કાચા માલના ભાવમાં ૨૫ થી ૩૫ ટકા સુધીનો ભાવ વધારો થયો હતો. મેલેમાઈનનો ભાવ કિલોના ૧૨૦ થી ૧૨૫ સુધી પહોંચી ગયો હતો, તે જ રીતે ક્રાફ્ટ પેપર અને ડેકોર પેપરમાં પણ ભારે વધારો થતા લેમિનેટ ઉત્પાદકો ચિંતામાં મૂકી ગયા હતા. ચીનથી પેપર્સનો સપ્લાય ૪૦ થી ૫૦ ટકા જ હતો. પોલ્યુશનને કારણે ઘણી પેપર મિલો ત્યાં બંધ થતા ભારતમાંથી ક્રાફ્ટ પેપર ચીન મોકલવામાં આવે છે.
એક તરફ ચીનથી આવતા કાચા માલનો શોર્ટ સપ્લાય અને ભાવ વધારની સમસ્યા હતી તો બીજી બાજુ સરકારે તેના પર આયાત ડયુટી પણ વધારી હતી, ત્રીજું કારણ ભારતમાં પણ કાચા માલના ઉત્પાદનમાં પણ ઘટ આવી હતી, જીએસએફસીમાં બનતા મેલેમાઈનના ત્રણ યુનિટમાંથી બે યુનિટ બંધ હતા. ગુજરાતમાં આવેલ બીજી એક ફેક્ટરી પણ ડિમાન્ડ પહોંચી ન વળતા, ભાવ વધારાના ચક્રો સતત ગતિમાન રહેતા હતા.
કાચા માલના ભાવમાં ૨૫ થી ૩૫ ટકા સુધીનો ભાવવધારાને પહોંચી વળવા લેમિનેટ શીટ્સમાં ભાવ વધારો અનિવાર્ય હતો, પરંતુ કેટલાક કારણોસર તે અમલી ન બન્યો, તેથી ફેક્ટરીઓ ચલાવવી મુસ્કેલ બનવા લાગી, અંતે લેમિનેટ ઉત્પાદક એસોસિએશને એકઠા થઇ એક અઠવાડિયું ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો. “કાચા માલમાં થોડો ભાવ ઘટાડો અને લેમિનેટ શીટ્સ વેચાણમાં સાનુકુળ માંગ નીકળતા ઉત્પાદકોને થોડીક રાહત મળી છે અને ફેક્ટરીઓ ૬૦ થી ૭૦ ટકાની કાર્યક્ષમતાથી ઉત્પાદન લેતી થઇ છે. જો કે લેમિનેટ શીટ્સમાં ભાવ વધારો અનિવાર્ય છે અને તેનો વહેલીતકે અમલ થાય તે ખુબ જરૂરી છે” માહિતી આપતા સયાજી લેમિનેટ (વડોદરા)ના પાર્ટનર ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું.
