લેમીનેટ શીટ્સ બનાવતી ફેક્ટરીઓ તા. 8 જાન્યુઆરી-2021 થી અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતની લગભગ બધી 60 થી વધુ લેમીનેટ ફેક્ટરીઓ આજરોજ એટલે કે, તા. 8 જાન્યુઆરી થી બંધ કરી દેવામાં આવી છે અને હજુ વધુ ફેક્ટરીઓના માલિકો આ બંધમાં જોડાવાની ધારણા છે. ઉત્તર ભારતની કેટલીક ફેક્ટરીઓ પણ આ બંધમાં જોડાશે. લેમીનેટ ઉદ્યોગમાં વપરાતા કાગળ, કેમીકલ્સ સહિત કાચા માલના આયાતકારો, ઉત્પાદકો અને ડીસ્ટ્રીબ્યુર્સ દ્વારા કાર્ટેલ તથા શોર્ટ સપ્લાયનાકારસો રચી અવારનવાર ભાવ વધારો કરવામાં આવે છે. મંદી, તિવ્ર હેરીફાઈ, કોરોના મહામારી અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરતા આ ઉદ્યોગ માટે જ્યારે અસ્તિત્વ ટકાંવી રાખવું અસહ્ય બની રહ્યું હોય ત્યારે આવા ભાવવધારાને નિભાવવો ફેક્ટરી માલીક માટે શક્ય ન હોવાથી આ બંધનો આશરો લેવામાં આવ્યો છે. છેલ્લા બે-અઢી વર્ષથી લેમીનેટ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં એક મોટુ પરિબળ કાચા માલનો ભાલ વધારો પણ છે. છેલ્લા ઓક્ટોબર માસ થી આ ભાવ વધારો મોટા પ્રમાણમાં થયો જેથી ના છૂટકે લેમીનેટ ઉત્પાદકોની મીટીંગ યોજી ફેક્ટરીઓ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો. દેશમાં લગભગ 200 જેટલી લેમીનેટ ફેક્ટરીઓ છે જેમાં ઓર્ગેનાઈઝ સેક્ટરની થોડીક (15-20) ફેક્ટરીઓ બાદ કરતા નાની તથા મધ્યમ કક્ષાની ફેક્ટરી માલીકોને પોતાની પ્રોડક્ટસનો પોષણક્ષમ ભાવ ન મળતો હોવા છતાં ઉત્પાદન ચાલુ રાખતા હતા. લેમિનેટનો ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યા અને 20-25 ટકાનો ભાવ વધારો કરવામા આવ્યો પરંતુ ડીલરો તરફથી સહયોગ ન મળવાથી ભાવવધારો અમલી બની શક્યો ન હતો. એક તરફ ઉત્પાદિત વસ્તુનો જરુરી ભાવવધારો ન મળતો હતો તો બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધી જતા ઉત્પાદકોએ આખરે ફેક્ટરીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો. દેશની બધી લેમીનેટ ફેક્ટરીના માલિકો આ નિર્ણય સાથે સંમત છે, પરંતુ કેટલાક લાચારીવશ આ બંધ આંદોલનામ જોડાયા નથી, તેઓ પણ આ બાબતે સમર્થન આપવા આગળ આવશે તેવું આ ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકોનું માનવું છે.

બંધ અંગે રાજકોટના અગ્રણી લેમીનેટ ઉત્પાદક હારમોની લેમીનેટ્સના એમ.ડી. મહેશભાઈ સાવલિયાએ મુલાકાતમાં જણાવ્યું કે લેમીનેટ ઉદ્યોગ માટે હાલની સ્થિતિ ઘણી ગંભીર છે અને તેમાંથી બહાર નીકળવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં કંઈ પરિણામ ન મળતાં આ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉદ્યોગને ટકાવવા કાચા માલના ઉત્પાદકો અને વિતરણકર્તાઓએ સહયોગ આપવો જોઈએ,જેમાં તેમનું પણ હિત જોડાયેલું છે. આ બંધને જબરદસ્ત ટેકો અને સફળતા મળશે તેવી આશા છે.
બીજા એક લેમીનેટ ઉત્પાદક કલ્પસર લેમીનેટ (ખેડા)ના પાર્ટનર ભાવિનભાઈ પટેલે ફેક્ટરીઓ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવી આવનારા દિવસોમાં યોગ્ય ઉકેલ આવવાની આશા વ્યક્ત કરી. કાચા માલના ઉત્પાદકો અને વિતરકોએ અયોગ્ય પધ્ધતિઓ અખત્યાર કરી ભાવવધારાનું વિષચક્ર ઉભુ કરવાને બદલે આ ઉદ્યોગને ટકાવી રાખવા સહકાર આપવો જોઈએ. દેશની અગ્રણી, મોટી લેમીનેટ ઉત્પાદક કંપનીઓએ પણ આ બંધમાં જોડાવું જોઈએ. ગુજરાત સાથે દેશના બીજા રાજ્યોના લેમીનેટ ઉત્પાદકો આ બંધમાં જોડાશે તો તેને મોટી સફળતા મળશે. બંધના આ નિર્ણયથી લેમિનેટ બજારને મોટી અસર થશે.
