FOCUS ON THE JOURNEY NOT THE DESTINATION. JOY IS FOUND NOT IN FINISHING AN ACTIVITY BUT IN DOING IT.
GREG ANDERSON (HISTORIAN – U.K.)
કોવિડ – 19 ની ભયભીત કરનારી બાઉન્સર ઓવરો ચાલી રહી છે, પૂરું વિશ્વ ખૂબ જ ધીરજ અને સાવધાનીથી તેનો સામનો કરી રહ્યું છે ત્યારે માર્ચ 2021 માં વુડ ઇન્ડસ્ટ્રી ના આ માસિક મેગેઝીન “લાકડા ઉદ્યોગ દર્શન” ના 200માં અંકને આપ સમક્ષ પ્રકાશિત કરી રહ્યો છું.
આજથી 23 વર્ષ પહેલા, નવેમ્બર – 1998માં પ્રથમ અંક ગુજરાતના લાકડા ઉદ્યોગના માહિતી-સ્ત્રોત તરીકે પ્રકાશિત કરેલો. 1998 પહેલાના 20 વર્ષ પત્રકારત્વ તથા પ્રિન્ટીંગ ક્ષેત્રે વિતાવી વુડ ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણથી પ્રેરાઈ વુડ ઇન્ડસ્ટ્રીને લગતું મેગેઝીન પ્રસિદ્ધ કરવાનું સાહસ કર્યું. એક નાની શરૂઆત હતી. પ્રકાશન ક્ષેત્રેના જોખમોનો ખ્યાલ હતો પરંતુ ધગશ અને પુરુષાર્થથી આ કામ કરવાનું આરંભ્યું. પ્રથમ અંકથીજ વુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વેપારીઓનો સાથ ખુબજ સારો મળ્યો, થોડો સમય લાકડા ઉદ્યોગ દર્શન અનિયમિત રૂપે (વર્ષે 3 થી 4 અંક) પ્રસિદ્ધ કર્યા બાદ તેને ત્રિમાસિક રૂપે પ્રગટ કરવામાં આવ્યું. વિજ્ઞાપન દાતાઓ તથા વાચકવર્ગ બહોળો થતાં આજથી પંદર વર્ષ પહેલા તેને માસિક મેગેઝીનરૂપે નિયમિત પ્રગટ કરવામાં આવ્યું.
વુડ ઇન્ડસ્ટ્રી ના અગ્રણી મેગેઝીન રૂપે પુરી વુડ ઇન્ડસ્ટ્રીએ તેને માનવંતુ સ્થાન આપ્યું તે અમારા માટે ગૌરવની વાત છે. દેશના 23 જેટલા રાજ્યો તથા 9 થી 10 જેટલા વિવિધ દેશોમાં પોતાનો વાચક વર્ગ ધરાવે છે. આ મેગેઝીન પ્લાય, પેનલ, લેમિનેટ તથા વુડ ઇન્ડસ્ટ્રીને લગતા લેખો, ન્યુઝ અને મુલાકાતોને યોગ્ય રીતે વાચા આપી “લાકડા ઉદ્યોગ દર્શન” એ પત્રકારત્વ પ્રત્યેની ફરજ નિષ્ઠા અને માહિતી આદાનપ્રદાન યોગ્ય ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રકાશન ક્ષેત્રે 23 વર્ષની સન્માનજનક લાંબી કહી શકાય તેવી મઝલ કાપવાનું કામ વાચક વર્ગ તથા વિજ્ઞાપન – દાતાઓના અતૂટ સાથ-સહકાર વિના શક્ય બની ન શકે.
કોઈપણ અખબાર કે મેગેઝીનની લાંબી સફળતા માટે વાચકવર્ગ લેખનસામગ્રી અને વિજ્ઞાપન એ તેની મુખ્ય ત્રણ પાંખો ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળનું કામ કરે છે. ત્રણેયના સંકલનથી વિજય મળે છે.
મોટી સંખ્યામાં વાચકો તથા વિજ્ઞાપનદાતાઓ સતત અમારીસાથે જોડાયેલ છે અને જોડાઈ રહ્યા છે. ઘણા વિજ્ઞાપનદાતાઓ તો પ્રારંભથીજ અમારા શુભચ્છકો રહ્યા છે. જય ઈન્ડસ્ટીઝ, અંબિકા હાઇડ્રોલિક, એચ. આર. ઇન્ડસ્ટ્રીઝ તથા ૐકાર ઇન્ડસ્ટ્રીઝ કે જેઓની જાહેરાત લાકડા ઉદ્યોગ દર્શનના પ્રથમ અંકથી આજદિન સુધી નિરંતર પ્રગટ થતી રહી છે. તેઓનો હું ખુબ ખુબ આભાર માનું છું. આ સિવાય પણ 10-15-20 વર્ષ સતત જાહેરાત આપનાર તથા પછીથી અમારી સફળતાત્રામાં જોડાનાર નવા વિજ્ઞાપનદાતાઓ તથા વાચકોનો લિપિ પબ્લિકેશન એન્ડ માર્કેટિંગ પરિવાર વતી હું ખુબ ખુબ આભાર માનું છું. તંત્રી “લાકડા ઉદ્યોગ દર્શન”
