LUD Special

રૂપિયા 2000ની નોટનું ટુંકુ આયુષ્ય – એમાં આપણાં કેટલા ટકા?

23, મે-2023 ના રોજ ભારતીય રીઝર્વ બેન્કએ 2000ની (આમ જનતા માટે ‘બહુમૂલ્ય’) નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી અને તે 30, સપ્ટેમ્બર-2023 સુધીમાં બેંકમાં જમા કરાવવાની રહેશે. 23 મે, 2023 થી બેન્કો રૂપિયા 20 હજારની મર્યાદામાં (એટલે કે 2000 રૂ. ની 10 નોટ) બદલી આપશે અથવા તેથી વધારે રકમની નોટો પોતાના બેન્ક એકાઉન્ટમાં (જરૂરી વિગતો આપી) જમા કરાવી શકશે. આ રીતે પુરા સાત વર્ષનું પણ આયુષ્ય ન ભોગવી 2000ની નોટ આપણી વચ્ચેથી વિદાય લેશે (જો આયુષ્ય મર્યાદા આરબીઆઇ વધારી ન આપે તો).

આમ તો આરબીઆઇ અથવા કહો કે મોદી સરકારના આ નિર્ણયથી દેશની સામાન્ય જનતાને કોઈ, પરેશાની નથી પરંતુ જેઓ મોટા પાયે આ ‘મોટી નોટ’નો સંગ્રહ કરીને બેઠા છે અથવા રોકડ વ્યવહારમાં ઉપયોગ કરી રહ્યા છે તેમને હવે આ નોટો ઠેકાણે પાડવા થોડો વધારાનો પરિશ્રમ કરવો પડશે.

ગાંધીજીના ફોટાવાળી 66 એમ.એમ.X 166 એમ.એમ. (એટલે કે 6.6 સેમી X 16.6 સે.મી.)ની મેજેન્ટા કલરની આ નોટને ઘરે પાછી બોલાવી લેવાની શી જરૂર રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને અથવા સરકારને શું પડી તેના પ્રશ્નાર્થો દેશના અર્થતંત્રમાંથી ઉઠવા લાગ્યા છે પરંતુ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણવામાં આવી રહ્યો છે.

2016, નવેમ્બરમાં 1000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની સાથે અને જૂની 500ની નોટની જગ્યાએ નવી નોટ તથા 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં મુકવાની મોદી સરકારની (નોટબંધી) નીતિએ પ્રજાને પરેશાન પણ કરી હતી અને કેટલાક પ્રશ્નો પણ ઉભા કર્યા હતા જો કે સમય સાથે પરેશાનીઓ ભુલાઈ ગઈ અને 1000ની જગ્યાએ ‘મોટી નોટ’ તરીકે 2000ની નોટ ચલણમાં ફરતી થઈ ગઈ. નોટબંધી પછી રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6.7 લાખ કરોડની કિંમતની 2000ની નોટો પ્રિન્ટ કરી હતી જેમાંથી 23 મે-2023 સુધીમાં 3.6 લાખ કરોડની નોટ બજારમાં ફરતી હતી, બાકીની નોટો લોકો પાસે સંગ્રહિત હતી અથવા ફરતી ન હતી. જો કે સરકારે 2018-19 પછી 2000ની નવી નોટો છાપવાનું બંધ કર્યું હતું તેથી તેનો ઈરાદો આ નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો હતો અથવા કામચલાઉ વ્યવસ્થા તરીકે તેને ચલણમાં મુકવામાં આવી હતી તેવું કેટલાક અર્થશાસ્ત્રીઓનું મંતવ્ય છે. સામાન્ય જનતા તો સરકારના આ નિર્ણયને યોગ્ય અને કાળા નાણાં તરીકે અથવા સંગ્રહિત નોટ તરીકે બહાર લાવવાનું પગલું ગણે છે.

સરકારના આ પગલાંથી ભારતીય અર્થતંત્રમાં શું અસર પડી શકે છે તે પણ થોડા મહિનામાં જોવા-જાણવા મળશે.

– સામાન્ય નાગરિક તો 20,000ની મર્યાદામાં બેન્કમાંથી 2000ની નોટ બદલાવી શકશે પરંતુ જેમની પાસે મોટી સંખ્યામાં આ નોટો છે તેઓ નાણાંકીય સંસ્થાઓ અથવા બેન્ક અધિકારી કર્મચારીઓની મદદથી બદલાવી શકશે.

કંપની માલિકો કે કારખાનેદારો તેમના કર્મચારીઓ અથવા કારીગરોનો સાથ લઈ 20 હજારની મર્યાદામાં બેન્કમાંથી આ નોટો બદલાવી લેશે. આ બધા પ્રયાસોથી સંગ્રહાયેલી મોટા ભાગની નોટો પાછી ખેંચાશે એટલે કેટલુંક કાળું નાણું, સફેદ થઈને બહાર આવશે. પરંતુ ટેરર ફિડીંગ તથા ડ્રગ-દાણચોરી અથવા ટ્રાફિંગને આ નિર્ણયથી મોટો ફટકો પડશે.

– ઘણાખરા રાજકારણીઓ તથા કાળા બજારિયાઓ કે હવાલા કૌભાંડીઓને એવી શંકા તો જરૂર હતી કે ગમે ત્યારે અથવા નજીકના ભવિષ્યમાં 2000ની નોટ બંધ થશે તેથી 500 રૂપિયાની નોટનો જ આશરો વધારે લેવાતો. વળી સરકારે છેલ્લા ચાર-પાંચ વર્ષથી (2018-19) થી 2000ની નવી નોટ છાપવાનું પણ બંધ કર્યું હતું, જેણે પણ છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં એવી હવા (અથવા અફવા) ફેલાઈ હતી કે 2000ની નોટ ચલાવવામાં સરકારને રસ નથી.

– મોટા વેપારીઓ અથવા કારખાનેદારોમાં-કે જ્યાં રોકડામાં વ્યવહાર સારા એવા પ્રમાણમાં થતો હતો તેઓ સરકારના આદેશથી થોડા મુંઝવણમાં મુકાયા છે, ખાસ કરીને બાંધકામ કે રીઅલ એસ્ટેટ જેવા અન્ય વ્યવસાયમાં.

– ઘણા લોકો કે જેઓ પાસે 2000ની નોટો નોંધપાત્ર અથવા મોટા પ્રમાણમાં સંગ્રહિત છે

તેઓ આ રકમનો અમુક હિસ્સો સોના-ચાંદીની ખરીદી તથા ફીક્સ ડીપોઝીટમાં રોકશે. આથી બેન્કોમાં આગામી છ મહિનામાં ડીપોઝીટો વધવાની શક્યતા છે.

આંગડીયા કે જેઓ દ્વારા રોકડ વ્યવહારોનું ચલણ વધારે છે તેઓની કામગીરી અને તકલીફમાં વધારો થશે.

– દેશમાં ડીજીટલ આર્થિક વ્યવહારોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે સરકારના આ નિર્ણયની વ્યાપક અસર અર્થતંત્ર પર જોવા નહીં મળે પરંતુ સરકારનો મુખ્ય આશય છે કે જેટલું બને તેટલું સંગ્રહાયેલું અથવા કાળું નાણું બહાર ખેંચી લાવ્યું. આ દિશામાં સરકાર અનેક સ્તરે કામ કરી રહી છે અને તેમાંનું આ એક આવકારદાયક પગલું સાબિત થઈ શકે છે.

– આજે લગભગ 24 ડોલરનું મૂલ્ય ધરાવતી 2000ની નોટ સાસરેથી તેને પિયર પાછી ફરવાની તૈયારી કરી રહી છે કેટલાકની આંખમાંથી આંસુ સરી રહ્યા છે.

– સરકારના આ પગલાંથી પેટ્રોલ પંપ, જવેલરી શોપ્સ તથા સુપર સ્ટોર્સ કે મોલમાં 2000ની નોટથી ખરીદીનું પ્રમાણ વધી ગયું છે.

– દેશમાં ડીજીટલ આર્થિક વ્યવહારો ભલે વધી રહ્યા હોય છતાં આજે પણ 86 ટકા રોકડ ચલણના વ્યવહારો થઈ રહ્યા છે.

– 2000ની નોટ એ સામાન્ય જનતાનું માનીતું અથવા લોકપ્રિય ચલણ ન હતું એટલે તેમને માટે આ કોઈ મોટી ઘટના નથી.

– ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું કે સરકાર 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં મૂકે તો આશ્ચર્ય નહીં થાય.

– દેશના ચલણમાં 500ની નોટોનો જ મુખ્ય હિસ્સો (લગભગ 76 ટકા)રહ્યો છે જે હજુ પણ વધી શકે છે જયારે 13.8 ટકા જેટલો હતો. આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ના જણાવ્યા મુજબ 31-3-2020માં 2000ની નોટોનું ચલણ 22.6 ટકા હતું જે 31-3-2022માં 13.5 ટકા જ રહ્યું એટલે કે 8.8 ટકાની ઘટ પડી, એનો અર્થ એ થયો કે આટલી 2000ની નોટો સંગ્રહિત રૂપે રહી અથવા સરક્યુલેશનમાં ન રહી.સરકારની હાલની યોજના આ સંગ્રહિત નોટોને બહાર લાવવાનો છે.

ભારતમાં ચલણી નોટના (વિવિધ કિંમતની) અવતરણ પછી તેને પાછી બોલાવવાના કિસ્સા ઓછા નથી, છતાં પણ ચલણમાંથી પાછી ખેંચાઈ ન હોય છતાં જેના દર્શન કરવા શોધખોળ કરવી પડે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. 1000 કે 2000ની નોટ સરકાર દ્વારા પાછી ખેંચવાની ભારે પ્રજાના માનસથી વિસરાઈ જતી હોય પરંતુ ચલણમાં હોવા છતાં હાલમાં 1,2 કે 5 રૂપિયાની નોટ ક્યાં જલ્દી જોવા મળે છે. કદાચ દિવાળીના તહેવાર નિમિત્તે નવી નોટો ક્યારેક ક્યારેક જોવા મળે, એ પણ બેન્ક સ્ટાફ સાથે તમારા સબંધો હોય તો એકાદ-બે બંડલ રૂપે મેળવીને હરખાવા માટે.

પચીસ કે પચાસ પૈસાના સિક્કા ભલે પોતાની કિંમત ગુમાવીને અદ્રશ્ય થયા હોય પરંતુ હવે તો 1,2 કે 5ની નોટો પણ મોઢું સંતાડવા લાગી છે સરકારને (વાયા રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ને આ નોટો છાપવાનો ખર્ચ પોષાતો નથી, એટલે આ નોટો છપાતી નથી અથવા ઓછી છપાય છે. હવે વાત પર આવીએ ભારતીય ચલણની નોટોની કેટલીક અગત્યની માહિતી પર ભારતીય ઉપખંડમાં સૌ પ્રથમ પેપર કરન્સી ચાર્લ્સ કેનીંગ એ 1861માં ચલણમાં મુંકી, પરંતુ આજના મોર્ડન રૂપિ (Rupee) શબ્દ રૂપયા (rupya) પરથી અસ્તિત્વમાં આવ્યો, જે ઈ.સ. 1540માં શેરશાહ સુરિના સમયમાં અસ્તિત્વમાં આવ્યો અને તે મોગલો, મરાઠા અને અંગ્રેજોના સમયમાં પણ ચલણમાં રહ્યો-આજે પણ તે ચલણમાં છે. શરૂઆતમાં રૂપિ – ધાતુના સિક્કા તરીકે ચલણમાં આવ્યો.

રૂપિ (Rupee) શબ્દ સંસ્કૃત શબ્દ રૂપિયકમ (rupyakam) પરથી અસ્તિત્વમાં આવ્યો જેનો અર્થ થાય છે silvercoin (ચાંદીનો સિક્કો).

ભારતમાં સત્તાવાર રીતે પેપર કરન્સી તરીકે બ્રીટીશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા (કે જેના પર કવીન વિક્ટોરિયા)નું ચિત્ર હતું તે 10,20,50,100 અને 1000 રૂપિયાની નોટ રૂપે ચલણમાં મુકવામાં આવી.

આઝાદીના પ્રથમ દશકામાં એક રૂપિયાની કિંમત 16 આના બરાબર હતી અને એક આનાની કિંમત 4 પૈસા બરાબર હતી જયારે એક પૈસાની કિંમત 3 પાઈ બરાબર હતી જે ગણત્રીએ 192 પાઈ બરાબર એક રૂપિયો થતો હતો. આજે તો એ પાઈ આના સંગ્રહ સ્થાનોમાં જતા રહ્યા છે. 1957માં એક રૂપિયાની કિંમત 100 પૈસા બરાબર હતી પરંતુ આજે તો આખો રૂપિયો ઘસાઈ ઘસાઈને ગાયબ થઈ જવાની અણી પર છે 25 અને 50 પૈસાના સિક્કાનું ચલણ રહ્યું નથી.

આઝાદી સમયે ભારતમાં એક રૂપિયાનું મૂલ્ય એક શિલીંગ અને 6 પેન્સ બરાબર હતું જયારે 13.33 રૂપિયા બરાબર એક પાઉન્ડ થતો હતો.

આજે એક પાઉન્ડની કિંમત લગભગ સાતગણી વધી ગઈ છે.

1લી એપ્રિલ, 1935માં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી અને સિક્કા તથા ચલણી નોટો છાપવાનો તથા ચલણમાં મુકવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.અંગ્રેજોના શાસનથી માંડી હાલના મોદી શાસન સુધીમાં 1 રૂપિયાથી માંડી 2000ની નોટ સુધીનો ઈતિહાસ જાણવા જેવો છે.

1 રૂપિયાની નોટ-સૌ પ્રથમ વખત 30, નવેમ્બર, 1917માં (અંગ્રેજોના શાસન દરમ્યાન) ચલણમાં મુકાઈ, જેનું પ્રિન્ટિંગ 1926માં બંધ કરવામાં આવ્યું અને ફરી 1940માં તેનું ફરીથી પ્રિન્ટિંગ શરૂ થયું 1994માં તે ફરીથી પ્રિન્ટ કરવાનું બંધ થયું અને 2015માં ફરી પ્રિન્ટિંગ ચાલુ થયું. જો કે હાલમાં તો આ નોટો જોવી કે મળવી મુશ્કેલ છે, પરંતુ ચલણમાં છે.

– 2 રૂપિયાની નોટ – આ નોટ 1943માં ચલણમાં આવી. આ નોટ પણ ચલણમાં છે પરંતુ બજારમાં જોવા મળતી નથી.

– 5 રૂપિયાની નોટ – 1996માં ચલણમાં આવી – જે 1996 થી 2011 સુધી છાપવામાં આવી. હાલમાં આ નોટ છાપવાનું બંધ છે પરંતુ તે ચલણમાં છે.

– 10 રૂપિયાની નોટ – મહાત્મા ગાંધીજીની તસ્વીરવાળી સિરીઝના આ નોટ 10996માં ચલણમાં આવી, જેની નવી સીરીઝની નોટ 2018માં ચલણમાં આવી

– 20 રૂપિયાની નોટ – 1992માં મુકવામાં આવી.

– 50 રૂપિયાની નોટ – 1975માં ચલણમાં મુકવામાં આવી જે લાયન કેપીટલ સીરીઝની હતી જેમાં ફેરફાર કરી – મહાત્મા ગાંધીજીના વોટરમાર્ક વાળી નવી નોટ 1996માં ચલણમાં મુકવામાં આવી.

– 100 રૂપિયાની નોટ – આ નોટ 1935માં પ્રથમ વખત ચલણમાં મુંકવામાં આવી, ત્યારથી તેની નોટોનું પ્રિન્ટિંગ ચાલુ છે.

– 500 રૂપિયાની નોટ – સૌ પ્રથમ 1987માં આ નોટ ચલણમાં આવી – તેની નવી આવૃત્તિ 10, નવેમ્બર – 2016માં એટલે કે નોટબંધીની જાહેરાત વખતે ચલણમાં આવી.

– 200 રૂપિયાની નોટ – 25, ઓગસ્ટ 2017માં આ નોટ ચલણમાં આવી.

– 1000 રૂપિયાની નોટ – 1938માં ચલણમાં આવેલી આ નોટ માત્ર 10,000ની સંખ્યામાં જ પ્રિન્ટ કરવામાં આવી હતી જાન્યુઆરી – 1946માં તેનું ચલણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ 1954માં ફરી તે ચલણમાં મુંકાઈ અને 10, નવેમ્બર-2016માં નોટબંધી વખતે પાછી ખેંચવામાં આવી. આ રીતે આ નોટ ત્રણ વખત ચલણમાંથી પાછી ખેંચાઈ છે. ફરી તેનો પુનર્જન્મ થાય છે કે નહીં તે તો સમય જ કહેશે. – 2000 રૂપિયાની નોટ – 8, નવેમ્બર-2016માં ચલણમાં મુંકાઈ જેને પાછી ખેંચવાની જાહેરાત હાલમાં કરવામાં આવી, અને તે પાછી ખેંચાઈ રહી છે. જેમ, માણસને ખબર નથી કે તેનું કેટલું આયુષ્ય છે તેમ ‘ચલણી નોટ’ ને પણ ખબર નથી કે તેનું કેટલું આયુષ્ય છે.

To Top