Monday, December 9, 2024
spot_img

ભારતમાં એમડીએફ (MDF) બજારનો ઝડપી વિકાસ અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી સામે પડકાર

ફર્નિચર બનાવવામાં મુખ્યત્વે હાર્ડવેર, એડહેસિવ સહિત રો-મટેરીયલ તરીકે વુડ એન્ડ એન્જીનિયર્ડ વુડ પેનલ, ગ્લાસ, મેટલ  પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય  છે. જરૂરિયાત અને પ્રાપ્તિની મર્યાદાઓ તથા આધુનિક ટેક્નોલોજીથી પ્રાપ્ત નવી પ્રોડક્ટ્સને કારણે લાકડાનો ઉપયોગ ઘટવા લાગ્યો અથવા કહો  કે,ઘટાડવાની આવશ્યકતા ઉભી થઈ, અને પ્લાયવુડ, પાર્ટીકલ બોર્ડ, એમ.ડી.એફ, ગ્લાસ, પ્લાસ્ટીક અને સ્ટીલે પોતાની યોગ્યતા પ્રમાણે લાકડાની જગ્યા લેવા માંડી.

સૌથી પહેલા પ્લાયવુડએ ફર્નિચર બજારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. સમય પસાર થતા આ ઉદ્યોગ સામે પણ કાચા માલની અછત, ભાવવૃદ્ધિ અને તીવ્ર હરીફાઈએ અનેક પડકારો ઉભા કર્યા, આ પરિસ્થિતિમાં પાર્ટીકલ બોર્ડને પોતાનું સ્થાન જમાવવાની તક મળી, પીવીસી, ડબ્લ્યુપીસી જેવા વિકલ્પો પણ થોડી માત્રામાં સોલીડ વુડ સામે બજારમાં આવ્યા પરંતુ હાલમાં ફર્નિચર ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે એમડીએફ ઉદ્યોગના વિકાસની જે તકો ઉભી થઈ છે તે જોતા એમ કહી શકાય કે આ ઉદ્યોગ (MDF), પ્લાયવુડ ઉદ્યોગ સામે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે. 2010 થી 2020 સુધીનો પાર્ટીકલ બોર્ડ ઉદ્યોગનો વિકાસ અને 2020 પછી એમડીએફ ઉદ્યોગની વિકાસ દોડ ખુબ મહત્વની બની રહેવાની છે.

કોમર્શિયલ તથા રહેણાંક ફર્નિચર માટે સોલિડ વુડની વધતી કિંમત અને અછતને કારણે નીલગીરી અને પોપલર જેવા પ્લાન્ટેડ ટીમ્બરને પ્લાયવુડના કાચામાલ તરીકે અગ્રતા મળી, પરંતુ સમય જતા તેમાં પણ મુશ્કેલીઓ આવતા, વુડ વેસ્ટ અને બગાસ જેવા કાચા માલના ઉપયોગથી બનેલ બોર્ડને ઝડપથી સારું બજાર મળવા લાગ્યું, લગભગ આવી જ પ્રક્રિયાથી બનેલ એમડીએફ બોર્ડ હવે ફર્નિચર ઉત્પાદન માટે મહત્વનું રો-મટેરીયલ બની રહ્યું છે, જેમાં તેની અનેક વિશેષતાઓ પણ કારણભૂત છે.

MDFમાં સામાન્ય રીતે 82% વુડ ફાઈબર, 9% યુરિયા ફોર્માલ્ડીહાઈડ રેઝીન, 8% પાણી અને 1% પેરાફીન વેક્સની જરૂર પડે છે, જેમાં વુડ ફાઈબરની ગુણવત્તા એ MDFનું મુખ્ય રો-મટેરીયલ છે, કાચા માલનું પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયા, કોઈપણ MDF ઉત્પાદક કંપની માટે મહત્વના હોય છે.

પ્લાયવુડની સરખામણીમાં MDF, ફર્નિચર ઉદ્યોગ માટેનું મુખ્ય રો-મટેરીયલ બનશે તેના માટે MDFની કેટલીક વિશેષતાઓ કારણરૂપ છે, જેમાં ઉંચી ગુણવત્તાનું ફિનિશીંગ, થીકનેશની વિવિધતા, ઓછી કિંમત, કટ, ગ્લ્યુ, પેઇન્ટ અને હોમ ડેકો આઈટમ માટેની આવશ્યક જરૂરિયાત પુરી પાડવી, આધુનિક અને બ્રાન્ડેડ ફર્નિચર બનાવવા માટે ઓછો જાળવણી ખર્ચ, ઇકો ફ્રેન્ડલી અને વેસ્ટ વુડ તરીકે ફરી ઉપયોગમાં લઈ શકાય, તે છે.

એમડીએફ પ્રીમિયમ પ્લાયવુડ કરતા લગભગ 50 ટકા અને સામાન્ય પ્લાયવુડ કરતા 25 થી 30 ટકા સસ્તું છે જો કે પ્લાયવુડ કે પાર્ટીકલ બોર્ડની સરખામણીમાં તેની નેઈલ હોલ્ડીંગ શક્તિ ઓછી છે અને ભેજવાળા વાતાવરણમાં તે પ્લાય-પાર્ટીકલબોર્ડ જેટલું મજબૂત રહી શકતું નથી. વળી તેની ફ્લેક્સિબિલિટી પ્લાયવુડ જેવી નથી. જો કે આધુનિક ટેકનિકલ પ્રક્રિયાથી આવનારા સમયમાં આ સમસ્યાઓ પણ જલ્દીથી હલ થઈ શકશે.

ભારતમાં એમડીએફનું માર્કેટ, વિશ્વની સરખામણીએ થોડા વર્ષો પછી ગતિ પકડવા માંડ્યું. અત્યાર સુધીનું ચિત્ર જોઈએ તો વિશ્વમાં પ્લાયવુડ અને એમડીએફનો વપરાશ રેસિયો 20:80નો એટલે કે 20 ટકા પ્લાયવુડ અને 80 ટકા એમડીએફ વપરાશનો છે જયારે ભારતમાં 20 ટકા એમડીએફ (અથવા પેનલ) સામે 80 ટકા પ્લાયવુડ વપરાય છે. જો કે હવે આ ચિત્ર ભારતમાં ઝડપથી બદલાવા લાગ્યું છે. અને આગામી પાંચ વર્ષમાં બંનેનું પ્રમાણ સરખું (50:50 ટકા) થવાનું અનુમાન છે. આ પાંચ વર્ષ દરમિયાન વિશ્વમાં એમડીએફ ઉદ્યોગનો વિકાસદર 6 ટકા રહેવાનો અંદાજ છે જેની સામે ભારતમાં આ વિકાસદર 18 થી 22 ટકાની વચ્ચે રહેવાનો છે.

ભારતમાં હાલમાં એમડીએફનું માર્કેટ લગભગ 28 લાખ CBM (ઘનમીટર)નું છે જે અંદાજે 3000 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે અને આવતા પાંચ વર્ષમાં તે બમણું થવાની ધારણા છે.

સૉ ડસ્ટ અને લાકડાની નાની ચીપ્સ જેવા સસ્તા વુડ વેસ્ટમાંથી બનવાને કારણે એમડીએફ શીટ, પ્લાયવુડ અને સોલિડ વુડ કરતા ખૂબ સસ્તું મળે છે, વળી તેની થિકનેશની વિવિધતાને (જે 2 એમ.એમ. થી માંડીને 60 એમ.એમ. સુધીમાં મળી રહે છે) કારણે ફર્નિચર ઉદ્યોગમાં તે વધુને વધુ ઉપયોગમાં લેવાતું થયું છે.

દેશમાં એમડીએફની માંગને પહોંચી વળવા, તે વિદેશોથી આયાત કરવું પડે છે, જેમાં ખાસ કરીને ઓછી થિકનેશની શીટોનું પ્રમાણ વધારે હોય છે. આ ઉદ્યોગ શરૂ કરવા મોટા મૂડી રોકાણની જરૂર પડે છે તેથી નાના કે મધ્યમ મૂડીરોકાણકારો કે અસંગઠિત ક્ષેત્રના મૂડીરોકાણકારો આ ઉદ્યોગમાં ઝંપલાવતા ન હતા પરંતુ હવે આ ક્ષેત્રનો ઝડપી વિકાસ જોતા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાચા માલની પ્રાપ્તિ અને ઉંચો વિકાસદર અને સારું ભવિષ્ય જોતા આ ઉદ્યોગ પ્રત્યે સારા મૂડીરોકાણની શક્યતાઓ જાગી છે. હાલમાં

વિશ્વના 175 જેટલા દેશોમાં એમડીએફના 1500 જેટલા ઉત્પાદકો છે જેમાં હાલમાં ભારતમાં 11 થી 12 જેટલા એકમો આવેલા છે. વિશ્વના એમડીએફ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો માત્ર 1 ટકા જેટલો જ છે, જે આવતા પાંચ વર્ષમાં બમણો થવાનો અંદાજ છે. ભારતમાં એમડીએફની માંગને પહોંચી વળવા ચીન,વિયેતનામ, સિંગાપુર જેવા દેશોમાંથી મંગાવવામાં આવે છે, જો કે વિયેતનામ પોતે બીજા દેશોમાંથી મોટા પ્રમાણમાં એમડીએફ આયાતકરે છે. સૌથી મોટો આયાતકાર દેશ અમેરિકા છે. વિશ્વમાં સૌથી વધુ એમડીએફનું ઉત્પાદન તુર્કીમાં થાય છે, તે પછી ચીનનો નંબર આવે છે. અન્ય મુખ્ય નિકાસકર્તા દેશો થાઈલેન્ડ, પોલેન્ડ, ન્યુઝીલેન્ડ અને બ્રાઝીલ પણ છે.

ભારતમાં ગ્રીનપેનલ, એક્શનટેસા, ઋષિલ ડેકોર, સેન્ચુરી પ્લાય, ગ્રીન પ્લાય સહિત અગિયાર જેટલા એમડીએફ ઉત્પાદક એકમો છે, હાલમાં (2023)માં ગુજરાત ખાતે બે એમડીએફ ઉત્પાદક એકમ (ગ્રીનપેનલ-હાલોલ) અને (VARVO Panel-ભચાઉ) ખાતે શરૂ થયા છે. આ સિવાય પણ દેશના પ્રમુખ એમડીએફ ઉત્પાદકો, વિસ્તરણ યોજના હાથ ધરી ઉત્પાદન વધારી રહ્યા છે.

સરકારની આત્મનિર્ભરતાની આર્થિકનીતિ, MDFની વધતી માંગ મૂડી રોકાણ માટેનું આકર્ષણથી દેશમાં જ એમડીએફનું ઉત્પાદન ઝડપથી વધવાનું વાતાવરણ તૈયાર થયું છે, જેથી આયાત મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે અને આ ઉદ્યોગની માંગણી મુજબ નજીકના ભવિષ્યમાં જ એમડીએફની આયાત પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી નાંખી આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપશે. જો કે દેશમાં તો આ ઉદ્યોગ ક્ષેત્રે હરીફાઈનું વાતાવરણ નથી પરંતુ પાંચેક વર્ષ પછી તે જોવા મળે તો નવાઈ નહીં.

જરૂરી લાયસન્સ મેળવવામાં અડચણ કે વિલંબ, પાણી અને કાચો માલ સુલભ્ય રીતે મેળવવામાં પડતી મુશ્કેલી તથા કુશળ કારીગરોની અછત એ આ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ આડેની કેટલીક સમસ્યાઓ છે પરંતુ ઔદ્યોગિકરણ અને વિકાસની દિશામાં સરકારના સંનિષ્ઠ પ્રયાસો અને ઉદ્યોગ સાહસિકોની વ્યાપારિક સૂઝબૂઝથી સમસ્યાઓ પણ હલ થશે પરંતુ સવાલ પ્લાયવુડ ઉદ્યોગને માટે જે પડકાર ઉભો થવાનો છે તેનો છે જોઈએ હવે ભવિષ્યમાં શું થાય છે.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles