Monday, December 9, 2024
spot_img

પાર્ટીકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી : નફા શક્તિ ઘટી છે પરંતુ બજાર હિસ્સો વધી રહ્યો છે

2016માં અમે પાર્ટીકલ બોર્ડના ટ્રેડીંગમાંથી ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશી વુડ પલ્પ પેનલ એલએલપી કંપનીની શરૂઆત કરી ત્યારે આ ઉદ્યોગ ક્ષેત્રે જે પરિસ્થિતિ હતી તે અત્યારે ઘણી બદલાઈ ચૂકી છે. કેટલાક પ્રશ્નો હલ થયા છે તો કેટલાક નવા પ્રશ્નો ઉભા પણ થયા છે. નફાશક્તિના ઘટાડા સાથે પણ વિકાસની દિશામાં પાર્ટીકલ બોર્ડ એમડીએફનો બજાર હિસ્સો ઝડપથી વધી રહ્યો છે અને વૈવિધ્યકરણ અને ઉત્કૃષ્ટતા સાથે બદલાવના ચિહ્નો નજર આવી રહ્યા છે. ઘટતી નફાશક્તિ કામચલાઉ કે સમસ્યાનું એક કારણ હોય તો પણ અન્ય પ્રોત્સાહક પ્રયત્નો અને પરિણામમાંથી આ ઇન્ડસ્ટ્રી વિકાસની રાહના નવા માઈલસ્ટોન વટાવી રહી છે.

વર્ષોથી પાર્ટીકલ બોર્ડના ટ્રેડીંગ અને પછી તેના ઉત્પાદન સાથે સંકળાયેલ શ્રી ઉપેન્દ્રભાઈ ધમાસણાએ એક મુલાકાતમાં તેમની કંપનીના પરિચય સાથે પેનલ ઉત્પાદન ક્ષેત્ર વિશે કેટલીક માહિતી પણ આપી.

અભ્યાસે એન્જીનીયર અને મોરબીમાં સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ નમ્ર અને વિવેકી સ્વભાવના શ્રી ઉપેન્દ્રભાઈ ધમાસણાએ સિરામિક સાથે સાથે પાર્ટીકલ બોર્ડના ટ્રેડીંગમાં પણ ઝંપલાવ્યું. તે સમયે દેશમાં પાર્ટીકલ બોર્ડ, એમડીએફનું ઉત્પાદન ઓછું હોવાથી ચીન, થાઈલેન્ડ જેવા દેશોમાંથી તે આયાત કરવું પડતું પરંતુ તેમાં ગુણવત્તા અને સપ્લાયનું ધોરણ અને અનિયમિતતા સચવાતી ન હતી, વળી સરકારની આત્મનિર્ભરતાની નીતિ અને ચાઈનાના માલ પ્રત્યે લોકોની ઘટતી વિશ્વસનીયતાએ પણ દેશમાં નવી હવા ઉભી કરી હતી, આથી ઉપેન્દ્રભાઈએ વુડ પેનલ ઇન્ડસ્ટ્રી ઉભી કરવાનો વિચાર કર્યો અને તેમાં તેમના સંબંધી તૃષાર વિરસોદિયા તથા અન્યનો સહયોગ પ્રાપ્ત થતા તેમણે 2016માં વુડ પલ્પ પેનલ એલએલપી કંપની શરૂ કરી પ્લેઇન અને પ્રિ-લેમ પાર્ટીકલ બોર્ડ બનાવવાનો પ્લાન્ટ મોરબી નજીક શરૂ કર્યો.

પાર્ટીકલ બોર્ડ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં શરૂઆતમાં પ્લેઇન પાર્ટીકલ બોર્ડ વધારે બનતું, તેના પર લેમિનેશન કરી પ્રિ.લેમિનેટેડ પાર્ટીકલ બોર્ડ બનાવી વેચનારા કેટલાક યુનિટો કામ કરતા થયા. ઉપેન્દ્રભાઈએ ત્રણ વર્ષ સુધી પ્લેઈન પાર્ટીકલ બોર્ડ તથા લેમિનેટ શીટ્સ ખરીદી, તેને પ્રિ.લેમિનેટેડ પાર્ટીકલ બોર્ડ તરીકે બનાવી ત્રણ વર્ષ ટ્રેડીંગ કર્યું. બજારની પરિસ્થિતિ અને માર્કેટીંગનો અનુભવ ઉપેન્દ્રભાઈ તથા તૃષારભાઈને હતો જ તેમણે બજારને ક્વોલિટી સાથેનું પ્રિ-લેમ પાર્ટીકલ બોર્ડ બજારમાં મૂક્યું. એક ચોક્કસ ધ્યેય, સફળ અને પ્રમાણિક વ્યાપારિક નીતિ સાથે 7 વર્ષે આજે આ કંપની સફળતાનાં શિખરો એક પછી એક સર કરી રહી છે.

2015-16માં પાર્ટીકલ બોર્ડની (બગાસ અને વુડ વેસ્ટમાંથી બનાવતી) 22 થી 28 કંપનીઓજ દેશમાં હતી જે સંખ્યા આજે 70 થી 80 સુધી પહોંચી છે. શરૂઆતના સમયમાં આ ઉદ્યોગ માટે કાચો માલ પૂરતા પ્રમાણમાં હતો અને તેના ભાવ પણ નીચા હતા, વળી દેશમાં ઉત્પાદનના પ્રમાણમાં માંગ પણ સારી હતી તેના ચારેક વર્ષમાં આ ક્ષેત્રે ઝડપી વિકાસ જોવા મળ્યો. પરંતુ સમય સાથે પેનલ ઇન્ડસ્ટ્રીઝ સંખ્યા ઝડપથી વધતી ગઈ તેમ તેમ કાચા માલની જરૂરિયાત વધતી ગઈ જેણે ભવિષ્યની જરૂરિયાત માટે ચિંતાઓ ઉભી કરી. બગાસ સાથે વુડ વેસ્ટ (સો ડસ્ટ) અને નીલગીરીનો પણ ઉપયોગ થવા લાગ્યો પરંતુ નીલગીરી ખેડૂતો ઓછી પકવતા કારણકે તેમને પોષણક્ષમ ભાવ મળતા ન હતા. પરંતુ જેમ જેમ તેની માંગ વધતી ગઈ, તેમ તેમ ભાવ વધતા ગયા. વધુ માલ મળવાથી ખેડૂતોએ નીલગીરી છોડનો પૂરતો વિકાસ થાય તે પહેલા કાપવા માંડી, જેથી દળદાર અથવા યોગ્ય જાડાઈ ધરાવતા નીલગીરી મળવા ઓછા થયા. વધુ ભાવ અને સપ્લાયની ખેંચ અને જરૂરિયાતવાળી ગુણવત્તાના અભાવે પેનલ ઉદ્યોગને કાચા માલના અન્ય વિકલ્પ તરફ નજર માંડવાની જરૂર પડી. અન્ય કાચામાલની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવાનું હતું તો બીજી તરફ વુડવેસ્ટ કે બગાસ સહિત કેમિકલ્સ જેવા અન્ય કાચા માલની કિંમતમાં ભારે વધારાના કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ઉદ્યોગ સામે અનેક બીજા પડકારો પણ ઉભા થયા જેને કારણે આ ઉદ્યોગની નફા શક્તિ ઘટતી ગઈ. ભાવવધારાની ઘણી જરૂર હતી પરંતુ તે પણ સંજોગોને કારણે પૂરતા પ્રમાણમાં થઈ ન શક્યો. વધતી ડિમાન્ડ સામે, કંપનીઓ પણ ઝડપથી વધવાથી તેનો યોગ્ય લાભ કંપનીઓને મળ્યો નહીં. ઘટતી નફા શક્તિનું દબાણ અને ગુણવત્તા જાળવણી સાથે યોગ્ય બજાર હિસ્સો પ્રાપ્ત કરવાની મથામણ સાથે આગવી વ્યાપારિક કૂનેહ અને આવડતથી આ ક્ષેત્રના ઉત્પાદકો આ ઉદ્યોગને આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

2016માં નીલગીરીના ભાવનો ઉલ્લેખ કરતા ઉપેન્દ્રભાઈએ જણાવ્યું કે તે સમયે નીલગીરીનો ભાવ ટન દીઠ 2600 થી 2700 રૂપિયાનો હતો જે આજે 5800 થી 6000 છે અને હજુ વધવાની શક્યતા છે. આ સિવાય અન્ય કાચામાલ તથા ખર્ચનો વધારો તો ખરો જ.

જો કે પહેલા ખેડૂતોને નીલગીરીનો યોગ્ય ભાવ મળતો ન હતો તેથી તેની ખેતી ઓછી કરતા પરંતુ હવે સારો ભાવ મળતા તેની વધુ ખેતી કરવા લાગ્યા છે. ભારતમાં 70 થી 80 જેટલા પાર્ટીકલ બોર્ડ, એમડીએફની ફેક્ટરી છે જેમાંની 40 ટકા ફેકટરીઓ ગુજરાતમાં આવેલી છે, જેમાં રાજકોટ, મોરબી, ગાંધીધામ, અમદાવાદના આસપાસના વિસ્તાર તથા દક્ષિણ ગુજરાતનો મહત્વનો હિસ્સો છે. દક્ષિણ ગુજરાતમાં બગાસ સહેલાઈથી પ્રાપ્ત થવાથી ત્યાં બગાસ આધારિત ફેક્ટરી વધારે છે. જો કે હવે વુડ વેસ્ટ અને નીલગીરીનો વપરાશ વધ્યો છે. તદ્દઉપરાંત નેચરલ ફાઈબર્સ (જેવા કે ઘઉં, જુવાર, ડાંગર, કપાસ જીન, કેમ, કોઇર વિ.) નો વિકલ્પ તરીકે ઉપયોગ કરવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આ ભવિષ્યના ઉપાયો છે.

હાલમાં પાર્ટીકલબોર્ડ બનાવવામાં બગાસ અને વુડવેસ્ટનો લગભગ સરખો હિસ્સો છે પરંતુ હવે નવી આવનારી ફેકટરીઓ માટે બગાસ મળવો મુશ્કેલ બનશે તેથી વુડવેસ્ટ તથા નીલગીરી અને પંચરાઉ લાકડા પર જ વધુ આધાર રાખવો પડશે. સારી ગુણવત્તાનું બોર્ડ નીલગીરીમાંથી જ બને તેથી તેનો વપરાશ વધશે. વુડ પલ્પ પેનલ કંપની નીલગીરીનો ઉપયોગ કરી સારી ગુણવત્તાનું પાર્ટીકલ બોર્ડ બનાવે છે. કંપની પ્રિલેમીનેટેડ બોર્ડ બનાવી દેશના મોટાભાગના રાજ્યોમાં મોકલે છે આ કંપની 8’x6′ અને 9’x6′ સાઈઝમાં 9 એમએમ થી માંડી 25 એમએમ થીકનેશમાં બોર્ડ બનાવે છે. જો કે હાલમાં પાર્ટીકલ બોર્ડ ના ભાવની બાબતમાં ઉપેન્દ્રભાઈએ જણાવ્યું કે કંપનીઓને પોષણક્ષમ ભાવ મળતા નથી.

2016માં જયારે તેમણે કંપનીની શરૂઆત કરી ત્યારે પ્લેઇન બોર્ડના ભાવ ચો.ફૂટના 15 થી 20 રૂપિયાની વચ્ચે હતા જયારે આજે 30 રૂપિયાની આસપાસ છે. ઉત્પાદન ખર્ચ વધતા આજનો ભાવ પોષાય તેમ નથી, જેમાં 10 થી 15 ટકાના ભાવ વધારાની જરૂર છે પરંતુ કંપનીઓ હાલમાં આ વધારો લઈ શકે તેમ નથી. જો કે જર્મન પેપર જેવા આયાતી પેપરમાંથી બનતા પ્રિ લેમિનેટેડ બોર્ડનો ભાવ 38 થી 40 રૂપિયા સુધીનો છે પરંતુ ગણીગાંઠી કંપનીઓ જ આ ભાવે માલ વેચે છે. વુડ પલ્પ પેનલ ઇન્ડસ્ટ્રીઝ ગુણવત્તા સાથે સમાધાન કરતી નથી તેથી તે જર્મન પેપરમાંથી અને નીલગીરીમાંથી બનતા બોર્ડ વેચે છે.

સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે મોરબી માત્ર દેશનું જ નહીં પરંતુ વિશ્વનું હબ બન્યું છે તેમ લેમિનેટ ઉદ્યોગ ક્ષેત્રે પણ તેણે દેશભરમાં મોટી હરણફાળ ભરી છે. આટલું જ નહીં પરંતુ પાર્ટીકલ બોર્ડની પણ દશથી વધુ ફેકટરીઓ મોરબી-રાજકોટની આજુબાજુ શરૂ થઈ છે. આથી કહી શકાય કે પાર્ટીકલ બોર્ડ ઉત્પાદન ક્ષેત્રે સૌરાષ્ટ્ર, કચ્છનો ડંકો દેશભરમાં વાગશે.

આ વિજયડંકામાં એક રણકાર વુડ પલ્પ પેનલ કંપનીના વિકાસ અને વિશ્વાસનો પણ હશે.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles