Monday, December 9, 2024
spot_img

કાચા માલની અછત પ્લાય-પેનલ ઉદ્યોગના વિકાસને અવરોધશે કે તીવ્ર હરીફાઈ રોકશે?

દેશમાં છેલ્લા 25 વર્ષમાં પ્લાય ઇન્ડસ્ટ્રીમાં અને 10 વર્ષમાં પાર્ટીકલ બોર્ડ, એમડીએફ અને લેમીનેટ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદક યુનિટોમાં વધારા સાથે વિકાસ જોવા મળ્યો છે પરંતુ ઉત્પાદક યુનિટોની વધતી સંખ્યા સાથે કાચા માલની તંગી, ભાવ વધારો અને તીવ્ર હરીફાઈએ હાલમાં જે સ્થિતિ પેદા કરી છે તે આ ઉદ્યોગ માટે ચિંતાજનક અથવા પડકારરૂપ છે. લેમિનેટ ઉદ્યોગ માટે કાચા માલની તંગીની સમસ્યા નથી પરંતુ પોષણક્ષમ ભાવ અને તીવ્ર સ્પર્ધાની સમસ્યા પડકારરૂપ છે. દેશના 250 જેટલા લેમિનેટ ઉત્પાદકોને શરૂઆતમાં એટલે કે 7-8 વર્ષ પહેલા જે નફો અને બજાર હિસ્સો મળતા હતા તે હવે મળવા મુશ્કેલ બન્યા છે તેથી કેટલીક લેમિનેટ કંપનીઓની નફાશક્તિ ઉપર ઘણી મોટી અસર પડી છે તો કેટલીક ફેકટરીઓ બંધ પડવાને આરે અથવા વેચાવાની શક્યતાઓ ઉભી થઈ છે. દેશની 2500 જેટલી પ્લાયવુડ ફેકટરીઓની સ્થિતિ પણ છેલ્લા 5-6 વર્ષથી એટલી સારી નથી રહી. પ્લાયવુડ ઉત્પાદનના દેશના મુખ્ય કેન્દ્રો જેમાંના અમૂક કેન્દ્રો હબ ગણાય છે ત્યાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્લાયવુડ ઉદ્યોગ માટે સમસ્યા એ નથી કે તેની ડિમાન્ડ નથી વધી રહી પરંતુ સમસ્યા કાચા માલની તંગી, ભાવ વધારો અને તીવ્ર સ્પર્ધા અને પોષણક્ષમ ભાવ ન મળવાનો છે.

પાર્ટીકલબોર્ડ અને એમ.ડી.એફ બનાવતા એકમો છેલ્લા છ-સાત વર્ષમાં ઘણા વધ્યા છે. દેશમાં તેની માંગ અને સ્વનિર્ભરતાની જરૂર જોતા દેશમાં જ તેનું ઉત્પાદન વધારવું જરૂરી હતું પરંતુ સતત વધતા યુનિટો વચ્ચે પ્લાય ઉદ્યોગ જેવી સમસ્યાઓ આ ઉદ્યોગને પણ નડવા લાગી.

સુરતના આગેવાન પ્લાયવુડ અને પાર્ટીકલબોર્ડના ઉત્પાદક મલચંદ એન્ડ સન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી અમિત અગ્રવાલના જણાવ્યા મુજબ દેશની 80 થી 90 પાર્ટીકલ બોર્ડ બનાવતી ફેક્ટરીઓમાંથી 40 થી 41 ફેકટરીઓ તો એકલા ગુજરાતમાં જ આવેલી છે. આ ફેક્ટરીઓમાંથી મોટા ભાગની ફેકટરીઓ છેલ્લા પાંચ-છ વર્ષમાં બજારમાં આવી છે. આમાંથી દશેક ફેકટરીઓ બગાસ આધારિત છે જયારે બાકીની વુડ બેઇઝ છે. મહારાષ્ટ્રમાં પણ 8 થી 10 ફેકટરીઓ છે જે બગાસ આધારિત છે. માંગની સામે વધતા ઉત્પાદનથી ભાવમાં સ્થગિતતા અથવા કેટલેક અંશે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જયારે તેની સામે કાચા માલના ભાવમાં સતત વધારો તથા પુરવઠા ખેંચની સમસ્યા ઉભી થઈ રહી છે ભવિષ્યમાં બગાસનો ઉપયોગ બીજા ઉદ્યોગમાં થવા લાગતા આ બગાસ આધારિત પાર્ટિકલ બોર્ડ ઉત્પાદકોમાં વધુ સમસ્યા ઉભી થશે અથવા નવા બગાસ આધારિત ઉત્પાદન યુનિટો નહીં આવી શકે. વુડ બેઇઝ પાર્ટીકલ બોર્ડ માટે પણ આજ સમસ્યા ઉભી થઈ રહી છે. એક તરફ જયારે પોષણક્ષમ ભાવ ન મળવાની સાથે પડકારરૂપ કેટલીક મોટી સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે એ ક્ષેત્રે નવા ઉત્પાદક યુનિટો શરૂ તથા રહ્યા છે અથવા જૂના કેટલાક ઉત્પાદક યુનિટો ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છે તો આ ઉદ્યોગના ભવિષ્ય માટે શું ધારણા કરવી તેવો પ્રશ્ન અમિતભાઈને તથા પટેલ કેનવુડ (અંકલેશ્વર) ના ડિરેક્ટર શ્રી રાજેશભાઈને કરવામાં આવ્યો ત્યારે અમિતભાઈએ કહ્યું, ડિમાન્ડ અને સપ્લાય એ કોઈપણ બજાર વ્યવસ્થાના સિક્કાની બે બાજુ છે. આને સમજીને વ્યાપારીક સૂઝબૂઝ અને કુશળતાથી આગળ વધવું ખુબ જરૂરી છે. કાચા માલની તંગી કે ભાવ વધારો એ આ ક્ષેત્રના (વુડ બેઇઝ) ઉદ્યોગો માટે અપેક્ષિત હોય છે જયારે સ્પર્ધા કે તીવ્રસ્પર્ધાને આજના સમયમાં અવગણી ન શકાય. દરેક ક્ષેત્રમાં તે હોય છે. પરંતુ મુખ્ય પ્રશ્ન આ ઉદ્યોગ માટે ઘટતી નફાશક્તિનો છે. જો કે માર્કેટમાં ડીમાન્ડ-સપ્લાયના નિયમને અનુસરી, પોતાની પ્રોડ્કટની ડિઝાઈન પેટર્ન સાથે બજારની નજીકને નજીકમાં રહેવાથી ઘણો ફાયદો થાય છે. ખુદ તેમની કંપનીઓ પણ આ સંજોગોમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતા વધારવા પગલાં ભરી પાર્ટિકલ બોર્ડ બજારનો વધુ હિસ્સો હસ્તગત કરવા યોજનાઓ હાથ ધરી છે, જે લક્ષ્ય સાથે ચાઈના ફોમાનો હાઈટેક પ્લાન્ટ સુરત નજીક કીમ ખાતે કાર્યરત કરી દીધો છે.

અંકલેશ્વર નજીક આવેલ પટેલ કેનવુડના ડિરેક્ટર શ્રી રાજેશભાઈ પટેલ પણ પાર્ટીકલ બોર્ડ ઉદ્યોગના જુના અને અગ્રણી ઉત્પાદક છે તેમણે પણ કાચા માલના અસહ્ય ભાવ વધારા અને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી સમસ્યાને ગંભીર ગણાવી અને સમગ્ર આ ઉદ્યોગને પૂરી ચિંતા આ પ્રશ્ને આગળ આવવાની જરૂરિયાત ગણાવી. સૌના સહકારથી આ સમસ્યા જલ્દીથી હલ કરવી જોઈએ. પાર્ટીકલ બોર્ડની માંગ દેશમાં ઝડપથી વધી રહી છે ત્યારે પાર્ટીકલ બોર્ડના ઉત્પાદકો અને સપ્લાયરોનું લક્ષ્ય ગ્રાહકોના સહિત ઉત્પાદકો માટે પણ હિતકારી હોવું જોઈએ.

કાચા માલની ઉપલબ્ધતા અને ભાવવધારાની આજે જે સ્થિતિ છે તે આવતી કાલ માટે વધુ ચિંતાજનક બની શકે છે પરંતુ તેના સફળ ઉપાય માણસ દ્વારા ન મળતા તો પરિસ્થિતિ આપમેળે પોતાનો રસ્તો કરી લે છે. આજની પરિસ્થિતિ જોતા પ્લાય-પેનલ ક્ષેત્રે નવા આગંતુકોની સંખ્યા ઘટતી જાય અને ડિમાન્ડ તથા સપ્લાયની સમતોલ પરિસ્થિતિમાં વર્તમાન ઉત્પાદકો આશા અને અપેક્ષા પ્રમાણે પોતાના વ્યવસાયનો વિકાસ સાધે.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles